ગોંડલ-આટકોટ રોડ પર કાર અકસ્માત, ત્રણનાં મોત:8 ફૂટની ઊંચાઇથી પુલ નીચે ખાબકતાં ભીષણ આગ લાગી
ગોંડલ-આટકોટ હાઈવે પર આજે (30 જાન્યુઆરી) વહેલી સવારે એક કાળજું કંપાવી દે તેવી ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ છે. મોટા માંડવા અને મોટા દડવા ગામ વચ્ચે એક કાર 8 ફૂટની ઊંચાઇથી પુલ નીચે ખાબકતાં તેમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર એક બાળક સહિત ત્રણ લોકોને બહાર નીકળવાનો મોકો મળે તે પહેલાં જ તેઓ જીવતા ભુંજાયા છે. આગના કારણે ગાડીના દરવાજા જામ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ભડથું થઇ ગયેલી ગાડીમાં હાડપિંજર દેખાયા છે. હાલ ગોંડલના ફાયર જવાનો દ્વારા ગાડીના દરવાજા ખોલવાની તજવીજ હાથ ધરી છે.
પુલ નીચે કાર ઊંધી વળી અને આગના ગોળામાં ફેરવાઈ
પ્રાપ્ત વિગતો અનુસાર, સાણથલી 108 એમ્બ્યુલન્સમાં વહેલી સવારે કોલ આવ્યો હતો. જે મુજબ, એક હ્યુન્ડાઈ 'ઓરા' કાર પૂરઝડપે જઈ રહી હતી ત્યારે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાર રોડ પરથી નીચે ઉતરી જઈ પુલ નીચે ઊંધી ખાબકી હતી. કાર ઊંધી પડતા જ તેમાં શોર્ટ સર્કિટ અથવા ઈંધણ લીકેજને કારણે ભયાનક આગ લાગી હતી. આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે અંદર સવાર મુસાફરોને બારણું ખોલવાની પણ તક મળી ન હતી.
ઘટનાસ્થળે માત્ર હાડપિંજર જ બચ્યા
દુર્ઘટનાની જાણ થતા જ ગોંડલ ફાયર ફાઈટરની ટીમ અને '112 જનરક્ષક'ની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં બધું જ રાખ થઈ ગયું હતું. કારની અંદર તપાસ કરતા બે વ્યક્તિના માનવ હાડપિંજર મળી આવ્યા છે, જે અકસ્માતની ભયાનકતા રજૂ કરે છે.
ધુમ્મસ કે ઊંઘનું ઝોકું? પોલીસ તપાસ તેજ
વહેલી સવારે સર્જાયેલા આ અકસ્માત પાછળ અનેક કારણોની ચર્ચા થઈ રહી છે. વહેલી સવારે હાઈવે પર છવાયેલા ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઓછી હોઈ શકે છે. ચાલકને ઊંઘનું ઝોકું આવી જતાં કાર પુલ નીચે ઉતરી ગઈ હોવાની પણ શક્યતા છે.
હાલમાં પોલીસે અકસ્માત સ્થળે પંચનામું કરી મૃતકોની ઓળખ વિધિ માટેની પ્રક્રિયા હાથ ધરી છે. કારના નંબર અને એન્જિન નંબરના આધારે માલિકની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ છે. રાજકોટ ગ્રામ્ય પોલીસના IPS ડૉ. નવીન ચક્રવર્તી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. આ ઘટનાને પગલે ગોંડલ પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.