બદલાતા હવામાનમાં ખેડૂતો માટે નવસારી કૃષિ યુનિવર્સિટીનું PhD સંશોધન બન્યું આશાનું કિરણ,
બદલાતા હવામાન અને ખેતીની વધતી મુશ્કેલીઓ વચ્ચે, નવસારી કૃષિ યુનિવર્સિટી ખેડૂતો માટે નવીન સંશોધન કરી રહી છે. પીએચડી વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.
બદલાતા હવામાન અને દિવસેને દિવસે ખેતીમાં વધી રહેલી મુશ્કેલીઓ વચ્ચે ખેડૂતો માટે નવું અને ઉપયોગી સંશોધન સમયની માંગ બની ગયું છે. આવા સંજોગોમાં નવસારી કૃષિ યુનિવર્સિટી ખેતી સંશોધનમાં નવી દિશા આપી રહી છે. ખેતરની વાસ્તવિક સમસ્યાઓને કેન્દ્રમાં રાખીને અહીં થતું સંશોધન સીધું ખેડૂતો સુધી પહોંચે તેવા પરિણામો આપી રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં યુનિવર્સિટીમાં પીએચડી કરતા વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
નવસારી કૃષિ યુનિવર્સિટીમાં સંશોધનનું મહત્વ સતત વધી રહ્યું છે. ચાલુ વર્ષે કુલ 42 વિદ્યાર્થીઓએ પીએચડી માટે નોંધણી કરાવી છે. ફોરેસ્ટ્રી, એગ્રી બિઝનેસ, ખેતી વિજ્ઞાન સહિતના વિવિધ વિભાગોમાં ઊંડાણપૂર્વક સંશોધન કાર્ય ચાલી રહ્યું છે. આ સંશોધન માત્ર શૈક્ષણિક અભ્યાસ પૂરતું સીમિત નથી, પરંતુ ખેડૂતોને પડતી જમીન, પાક, ઉત્પાદન અને બજાર સંબંધિત સમસ્યાઓના ઉકેલ પર કેન્દ્રિત છે.