ભારત આવવાની ના પાડી છતાં બાંગ્લાદેશ પર ICC મહેરબાન: કોઈ દંડ નહીં થાય, ખાસ ઈનામ પણ આપ્યું
ICC Takes No Action Against Bangladesh Over T20 World Cup Boycott Row : ભારતમાં રમાઈ રહેલી ટી20 વર્લ્ડકપ ટુર્નામેન્ટનો બહિષ્કાર કરવા મામલે ICCએ બાંગ્લાદેશને માફી આપી છે. બાંગ્લાદેશ જીદ કરી રહ્યું હતું કે તેમની ટીમના ખેલાડી મેચ રમવા માટે ભારત નહીં આવે, કારણ કે તેમની સુરક્ષાને ખતરો છે. જે બાદ ICCએ બાંગલાદેશને બદલે સ્કોટલેન્ડની ટીમને ટુર્નામેન્ટમાં સામેલ કરી. જે બાદથી જ અટકળો લાગી રહી હતી કે ICC બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ વિરુદ્ધ કાર્યવાહીની જાહેરાત કરી શકે છે.
બાંગ્લાદેશને ICCએ મોટું ઈનામ આપ્યું
ઈન્ટરનેશનલ ક્રિકેટ બોર્ડે બાંગ્લાદેશ વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી ન કરવાની જાહેરાત કરી છે. બાંગ્લાદેશ પર કોઈ જ આર્થિક, સ્પોર્ટિંગ કે એડમિનિસ્ટ્રેટિવ દંડ ફટકારવામાં આવશે નહીં. એક્શન તો દૂરની વાત, ICCએ બાંગ્લાદેશને મોટી ભેટ પણ આપી દીધી છે. 2028થી 2031ની વચ્ચે બાંગ્લાદેશમાં ICCની એક મોટી ટુર્નામેન્ટ યોજાશે.
પાકિસ્તાનના લાહોરમાં યોજાઈ હતી બેઠક
બાંગ્લાદેશને ટી20 વર્લ્ડકપથી બહાર કર્યા બાદથી જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પણ જાતજાતની ધમકીઓ આપી રહ્યું હતું. એવામાં લાહોરમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશના ક્રિકેટ બોર્ડ તથા ICCની બેઠક યોજાઇ. જેમાં નિર્ણય લેવામાં આવ્યો કે બાંગ્લાદેશ વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી કરવામાં આવશે નહીં. નોંધનીય છે કે વર્ષ 2031માં બાંગ્લાદેશ અને ભારત વનડે વર્લ્ડકપ મેજબાની કરશે. તે પહેલા બાંગ્લાદેશમાં ICCની ટુર્નામેન્ટ કરાવવામાં આવશે.